S
H
R
I
R
A
J
P
U
T
G
N
A
T
I
શ્રી રાજપુત જ્ઞાતિ – ભુજ સમાજના સર્વાંગી વિકાસ, સાંસ્કૃતિક વારસાના સંવર્ધન અને સમાજમાં પરસ્પર સહકાર તથા ભાઈચારાની ભાવનાને મજબૂત બનાવવા માટે સતત કાર્યરત છે. સમાજને પ્રગતિ, શિક્ષણ અને સંસ્કારના માર્ગે આગળ વધારી ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ કરવાનો છે.
સમાજના આગેવાનો અને પ્રબુદ્ધ વ્યક્તિઓએ સંગઠન રચીને સમાજના વિકાસ માટે કાર્ય શરૂ કર્યું. શિક્ષણ, રોજગાર અને સામાજિક વિકાસની ચિંતા તથા ચિંતનના પરિણામે વંડી ફળીયામાં તા. 6-2-1963ના રોજ રજીસ્ટર નં. A-306 (કચ્છ) હેઠળ "શ્રી રાજપુત સમાજ"ની વિધિવત્ વાડીની સ્થાપના કરવામાં આવી.
સમાજના આ નિર્માણમાં અલાયા કાકા, મનજીભાઈ ચૌહાણ, હરીભાઈ મકવાણા, ભવાનભાઈ ડુડિયા, નારણભાઈ ચૌહાણ, માનસંગભાઈ પરમાર, હરીભાઈ ધલ, રામજીભાઈ રાઠોડ અને અન્ય આગેવાનોનો અવિસ્મરણીય ફાળો રહ્યો હતો. તેઓ સમાજને આર્થિક સહાય, વિદ્યાર્થીઓને નોટબુક-પુસ્તકો તથા જરૂરિયાતમંદોને વિવિધ પ્રકારની સહાયતા પૂરી પાડતા હતા. તેમનો મુખ્ય સંદેશ હતો કે જો સેવા ન કરી શકાય તો ઓછામાં ઓછું સમાજના કાર્યમાં અવરોધ ન ઊભો કરવો, કાર્યકરોને પ્રોત્સાહન આપવું અને વડીલોનું સન્માન કરવું. અનેક મુશ્કેલીઓ, ટીકા અને આર્થિક પડકારો વચ્ચે પણ તેઓ સમાજના હિત માટે સતત કાર્યરત રહ્યા. તેમના પરિશ્રમના પરિણામે સમાજ મજબૂત બન્યો અને આજે સૈંકડો પરિવારો સમાજ સાથે જોડાયેલા છે.
સન 2001ના વિનાશક ભૂકંપ પછી સમાજને ભારે જાનહાનિ અને આર્થિક નુકસાન સહન કરવું પડ્યું. આવી વિકટ પરિસ્થિતિમાં ડૉ. કૃષ્ણકાંત વાઘેલા, સુરેશભાઈ ચૌહાણ, સુરેશભાઈ વલોણ, જયંતભાઈ ચૌહાણ અને જીવણભાઈ ચૌહાણે સમાજના પુનર્નિર્માણ માટે ભગીરથ પ્રયાસો કર્યા. ડૉ. કૃષ્ણકાંત વાઘેલાના પ્રયાસોથી ડૉ. વલ્લભ કથીરિયા, થાનકી સાહેબ તથા તે સમયના નાણાપ્રધાન શ્રી વજુભાઈ વાળાના સહકારથી સમાજને ભુજ ખાતે રઘુવંશી ચોકડી પાસે જમીન ફાળવવામાં આવી. આ જમીન પર આધુનિક સુવિધાઓથી સજ્જ વિશાળ સમાજ વાડીનું નિર્માણ કરવામાં આવ્યું.
કચ્છના રાજપુતોનો ઇતિહાસ અત્યંત પ્રાચીન અને ગૌરવશાળી છે. આશરે પાંચ હજાર વર્ષ જૂની ધોળાવીરા સંસ્કૃતિના અવશેષો પરથી કચ્છની સમૃદ્ધ ઐતિહાસિક પરંપરાનો અંદાજ મેળવી શકાય છે. આઝાદી પહેલાં સિંધ અને કચ્છ વચ્ચે ઘનિષ્ઠ વ્યવહાર અને સાંસ્કૃતિક સંબંધો હતા.
કચ્છ પર વિવિધ સમયગાળામાં ચાવડા, કાઠી તથા સિંધ પ્રદેશમાંથી આવેલા જાડેજા રાજપુતો દ્વારા શાસન કરવામાં આવ્યું હતું. આશરે 400 થી 450 વર્ષ પહેલાં જાડેજા શાસકોએ કચ્છમાં પોતાના રાજ્યની સ્થાપના કરી હતી. તે સમયગાળામાં રાજાઓ પોતાના રાજ્યના વિસ્તરણ માટે આજુબાજુના પ્રદેશો પર આક્રમણ કરતા. યુદ્ધમાં પરાજિત થયેલા રાજપુતો બહાદુર અને બળવાન હોવા છતાં વિજેતા રાજાઓ દ્વારા તેમને નીચા દરજ્જાના રાજપુતો તરીકે ગણવામાં આવતા. આવો વ્યવહાર મુઘલ, મુસ્લિમ તથા મરાઠા શાસકોના સમયમાં પણ જોવા મળતો. રાજસ્થાનમાં વસતા ઘણા રાજપુતો કુદરતી આફતો અને રોજગારની શોધમાં સ્થળાંતર કરીને કચ્છમાં આવ્યા. કચ્છની સરહદ રાજસ્થાન અને સિંધ સાથે જોડાયેલી હોવાથી તેઓ રાપર, ભચાઉ અને ભુજ જેવા વિસ્તારોમાં વસવા લાગ્યા.
કચ્છનું નામ તેના કાચબા જેવા આકારને કારણે પડ્યું હોવાનું માનવામાં આવે છે. રણ, સમુદ્ર અને પર્વતોની કુદરતી રચનાથી ઘેરાયેલો કચ્છ વિશિષ્ટ ભૂગોળ ધરાવે છે. જેમ પારસી સમાજ ઈરાનમાંથી આવી કચ્છમાં પ્રેમ અને સૌહાર્દથી વસ્યો, તેમ રાજપુત સમાજ પણ કચ્છના રાજાઓ સાથે દૂધમાં સાકર ભળે તેમ એકરૂપ થઈ ગયો.
વફાદારી, ખુમારી અને ઈમાનદારી જેવા ગુણો ધરાવતા રાજપુતો રાજકાર્યમાં કર્મચારી, સૈનિક અને સુરક્ષા સેવાઓમાં જોડાયા. સમય જતાં તેઓ રાજાના વિશ્વાસુ બન્યા અને દરબારની આસપાસ પોતાની વસાહતો સ્થાપિત કરી. તેમને "સવાયા રાજપુત" તરીકે બિરુદ મળ્યું અને તેમની વસાહત "સવાયું ફળીયું" તરીકે ઓળખાવા લાગી. ધીમે ધીમે આ વિસ્તાર "વંડી ફળીયું" તરીકે પ્રસિદ્ધ થયો અને ત્યાં રાજપુત સમાજ સંગઠિત રીતે વસવા લાગ્યો.
આજે આ વાડી સમાજની ગૌરવપૂર્ણ ઓળખ બની છે. અહીં આધુનિક ઓફિસ, એ.સી. હોલ, વિશાળ સભાખંડ, ક્લાર્ક રૂમ, ચોકીદારની વ્યવસ્થા, પાણીની સુવિધા, વોશરૂમ તથા અન્ય જરૂરી સગવડો ઉપલબ્ધ છે. આસપાસ અન્ય કોઈ મોટી સમાજ વાડી ન હોવાથી અન્ય સમાજો પણ આ વાડીનો લાભ લે છે, જેના કારણે સમાજને આવક પણ પ્રાપ્ત થાય છે.
આજે કચ્છનો રાજપુત સમાજ સંગઠન, શિક્ષણ, સામાજિક સેવા અને વિકાસના ક્ષેત્રે અગ્રણી સ્થાન ધરાવે છે. વાણિયા અને લોહાણા સમાજ પછી કચ્છના અગ્રણીઓમાં રાજપુત સમાજનું મહત્વપૂર્ણ સ્થાન ગણાય છે. સમાજના પૂર્વજોના ત્યાગ, પરિશ્રમ અને દૂરંદેશીના કારણે આજે સમાજ પ્રગતિના નવા શિખરો સર કરી રહ્યો છે.
આપણો સમાજ વિશાળ અને પ્રગતિશીલ છે. આવા મોટા સમાજનું સંચાલન અને વિકાસકાર્યો સરળ નથી. સમાજના કારોબારી સભ્યો પોતાના કિંમતી સમય, શ્રમ અને ઘણી વખત પોતાના ખર્ચે સમાજના હિત માટે સતત કાર્યરત રહે છે. તેથી તેમના કાર્યનું સન્માન કરવું એ દરેક સમાજજનની નૈતિક જવાબદારી છે.
સમાજના કાર્યમાં ખામીઓ શોધવા કે કાર્યકર્તાઓ પર આંગળી ચીંધવા કરતાં સમાજને વધુ મજબૂત બનાવવા માટે સહયોગ આપવો જોઈએ. જો કોઈ સૂચન કે ફરિયાદ હોય તો તેની જાહેર ટીકા કરવાને બદલે રૂબરૂ ચર્ચા કરીને રચનાત્મક માર્ગદર્શન આપવું જોઈએ. પોતાના અનુભવ, જ્ઞાન અને કુશળતાનો લાભ સમાજને આપવો, કાર્યકર્તાઓનું સન્માન કરવું અને તેમના સારા કાર્યની પ્રશંસા કરવી જોઈએ, જેથી તેઓ વધુ ઉત્સાહ અને સમર્પણથી સેવા આપી શકે.
સમાજના વિકાસ માટે સારા વિચારો ધરાવતા કાર્યકર્તાઓ અને આર્થિક સહયોગ – બંનેની જરૂરિયાત છે. સમાજની તમામ કામગીરી બંધારણ અનુસાર પારદર્શક રીતે કરવામાં આવે છે. સમાજના વાર્ષિક હિસાબ, ખર્ચ અને બચતની માહિતી દરેક સભ્ય જાણી શકે છે. ફુરસદના સમયમાં જે સભ્યો હજુ સુધી સભ્યફી ભરતા નથી તેમને પ્રેરિત કરવા, નવા દાતાશ્રીઓ જોડવા તથા સમાજના વિકાસ માટે નવી યોજનાઓ અને સૂચનો પ્રમુખશ્રી તથા કારોબારી સમિતિ સુધી પહોંચાડવા દરેક સમાજજન આગળ આવે.
ભૂલ દરેક વ્યક્તિથી થઈ શકે છે. તેથી ભૂલચૂકને ક્ષમાભાવથી સ્વીકારી સમાજહિતને સર્વોપરી રાખીને સૌએ સાથે મળીને કાર્ય કરવું જોઈએ. "સંપ ત્યાં જંપ" અને "એકતામાં જ શક્તિ છે" – આ સૂત્રને જીવનમાં ઉતારી આપણે સૌ એકતાથી આગળ વધીએ તો સમાજનો સર્વાંગી વિકાસ થશે અને આજના યુગમાં આપણો સમાજ વધુ સશક્ત, સંગઠિત અને ગૌરવશાળી સ્થાન પ્રાપ્ત કરશે.
આપણો સમાજ વિશાળ અને ગૌરવશાળી છે, છતાં સમાજના ઘણા પરિવારોને પોતાના કુળદેવી-દેવતા, ગોત્ર, વંશ, ધાર્મિક પરંપરા અને પૂજાવિધિ અંગે પૂરતી માહિતી ઉપલબ્ધ નથી. આપણા વડીલો શિક્ષિત ન હોવાથી ઘણી માહિતી મૌખિક પરંપરાથી જ આગળ વધી છે, જેના કારણે સમય જતાં કેટલીક વિગતો અસ્પષ્ટ બની ગઈ છે. તેથી દરેક સમાજબંધુએ પોતાના કુળદેવી-દેવતા, ઇષ્ટદેવ, ગોત્ર, વંશ તથા ધાર્મિક પરંપરાની સાચી માહિતી મેળવવી જોઈએ અને શ્રદ્ધા, ભક્તિ તથા શુદ્ધ ભાવથી પૂજા-અર્ચના કરવી જોઈએ. દર્શન સમયે ફૂલ, ફળ, શ્રીફળ, પ્રસાદ, ધૂપ, દીવો, અગરબત્તી, કંકુ, ચુંદડી (વાઘા) વગેરે સાથે લઈ જઈ ભગવાન અને માતાજીના આશીર્વાદ મેળવવા જોઈએ. અંધશ્રદ્ધાથી દૂર રહી ભાવપૂર્વક કરવામાં આવેલી ભક્તિ જ જીવનમાં સુખ, શાંતિ અને મનોકામના પૂર્ણ કરવામાં સહાયક બને છે.
| અટક | વંશ | ગોત્ર | વેદ / શાખા | કુળદેવી / ઇષ્ટદેવી | કુળદેવ / ઇષ્ટદેવ |
|---|---|---|---|---|---|
| પરમાર | અગ્નિવંશ | — | યજુર્વેદ | સરિચયાર મા હરસિદ્ધિ મા |
પીથોરા પીર માંડવરાય |
| ચૌહાણ | અગ્નિવંશ | વત્સ | યજુર્વેદ કૈથમી મધ્યાંદિની |
આશાપુરા માતા | શ્રીકૃષ્ણ |
| વાઘેલા | અગ્નિવંશ | ભારદ્વાજ | યજુર્વેદ મધ્યાંદિની |
વાઘેશ્વરી મા બૂટ ભવાની મા |
એકદંત ગણપતિ |
| ચાવડા | — | વશિષ્ઠ | યજુર્વેદ મધ્યાંદિની |
ચંડીકા મા | ઇન્દ્રદેવ કાશી વિશ્વનાથ |
| ભાટી દેયા ડાભી |
ચંદ્રવંશ | અત્રી | યજુર્વેદ કૈથમી મધ્યાંદિની |
માતા લક્ષ્મીજી | ભગવાન વિષ્ણુ |
| વાળા | કુશવંશ | કશ્યપ | વાજસનેઈ | — | શ્રીરામ (ઇષ્ટદેવ) ગુરુ વશિષ્ઠ |
સમાજના સેવાભાવી અશોકભાઈ મેર તથા અન્ય કાર્યકરો દ્વારા વિવિધ સામાજિક સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. આ ગ્રુપ દ્વારા નિઃશુલ્ક એમ્બ્યુલન્સ સેવા, મફત ઝેરોક્સ, વિદ્યાર્થીઓને નોટબુકનું વિતરણ, જરૂરિયાતમંદ દર્દીઓ તથા વિદ્યાર્થીઓની ફી માટે ભંડોળ એકત્રિત કરી આર્થિક સહાય, વડીલો માટે ધાર્મિક પ્રવાસનું આયોજન તેમજ જરૂરિયાતમંદ પરિવારોને દર મહિને રાશન કીટનું વિતરણ જેવી સેવાઓ પૂરી પાડવામાં આવે છે. આ સેવાકીય કાર્યમાં શ્રી રાજુભાઈ પરમાર અને શ્રી ઘનશ્યામસિંહ રાઠોડ સહિતના સમાજસેવકોનું પણ નોંધપાત્ર યોગદાન છે. આ ગ્રુપનું કાર્યસ્થળ પડદાભીઠ મંદિર રોડ, હંગામી એસ.ટી. વર્કશોપ પાસે, ભુજ ખાતે આવેલ છે.
અખિલ કચ્છ રાજપુત સંઘના પ્રમુખ શ્રી નીતિનભાઈ મકવાણાના નેતૃત્વ હેઠળ સમગ્ર કચ્છ જિલ્લાના રાજપુત સમાજમાં એકતા, સંકલન અને સંગઠનને મજબૂત બનાવવા માટે સતત પ્રયાસો કરવામાં આવે છે. સંઘ દ્વારા અંજાર, માંડવી, મુન્દ્રા, ભચાઉ, નલિયા સહિત વિવિધ તાલુકાઓના સમાજના આગેવાનો અને પ્રમુખો સાથે નિયમિત સંપર્ક અને બેઠક યોજી પરસ્પર સહકાર, સમાજના વિકાસ અને એકતા માટે કાર્ય કરવામાં આવે છે.
સંચાલન મંડળ
સંચાલન મંડળ વિવિધ સામાજિક, શૈક્ષણિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનું સફળ આયોજન અને માર્ગદર્શન પૂરું પાડે છે. સંચાલન મંડળના હોદ્દેદારો અને સભ્યો સમાજના સર્વાંગી વિકાસ, એકતા અને કલ્યાણ માટે નિષ્ઠાપૂર્વક કાર્યરત છે.
મહિલા મંડળ
મહિલા મંડળ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો, આરોગ્ય જાગૃતિ સેમિનાર, કૌશલ્ય વિકાસ તાલીમ, મહિલા સશક્તિકરણ પ્રવૃત્તિઓ, ધાર્મિક કાર્યક્રમો તેમજ સમાજ સેવા સંબંધિત અનેક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે છે.
યુવક મંડળ
યુવક મંડળ દ્વારા કારકિર્દી માર્ગદર્શન, શૈક્ષણિક સેમિનાર, રમતગમત સ્પર્ધાઓ, રક્તદાન શિબિરો, પર્યાવરણ જાગૃતિ અભિયાન, સામાજિક સેવા પ્રવૃત્તિઓ તથા સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.
સલાહકાર સમિતિ
સલાહકાર સમિતિમાં સમાજના અનુભવી, વરિષ્ઠ અને પ્રતિષ્ઠિત સભ્યોનો સમાવેશ થાય છે, જેઓ પોતાના જ્ઞાન, અનુભવ અને દૃષ્ટિકોણ દ્વારા સંસ્થાને યોગ્ય દિશા પ્રદાન કરે છે અને સમાજના ઉજ્જવળ ભવિષ્યના નિર્માણ માટે પ્રતિબદ્ધ છે